શ્રી ઉમાવંશી મેંદપરા પરિવાર

આપણી કોમ્યુનિટી

મેંદપરા પરિવારનો સંક્ષિપ્ત ઇતિહાસ

વિક્રમના બીજા સૈકામાં કુર્મી પટેલો પંજાબના સિન્ધુ તટ પ્રદેશમાંથી અનાર્યોના અવાર-નવાર આક્રમણથી છિન્ન-ભિન્ન રાજ્ય વ્યવસ્થાથી કંટાળી નીડર, સાહસિક, હિંમતવાન અને બહાદુર હોવા છતાં શાંતિપ્રિય હોવાથી પંજાબના સિંધુ તટ પ્રદેશનો ત્યાગ કરી ત્યાંથી પ્રસ્થાન કરી ગુજરાતમાં સરસ્વતી નદીના તટ પ્રદેશમાં આવી વસવાટ કર્યો. પોતાની ઇષ્ટ માતાજી ઉમિયાજીના નામ ઉપરથી ઉમાપુર પટ્ટનમ ઉમાપુર પાટણ વસાવ્યું. હાલમાં જેને ઊંઝા નામથી ઓળખવામાં આવે છે. પંજાબના સિન્ધુ નદીના તટ પ્રદેશ એવા કરડ પ્રાંતમાંથી આવતા હોવાથી પોતાના મૂળવતનને ના વિસરતાં આ કૂર્મીઓ કડવા પટેલથી ઓળખાયા. અને મૂળે કુર્મી હોવાથી કુર્મીનુ અપભ્રંશ થતા કુરબી અને છેવટે કણબીથી ઓળખાયા.

ગુજરાતમાં મહારાજા વૃજપાલસિંહજીની છત્રછાયામાં સામુહિક વસવાટ કરી નગર વસાવી પોતાની ઇષ્ટ માતા ઉમિયાજીનું માટીનું દેવળ(મંદિર) બનાવી તેમાં વિક્રમ સવંત 212 માં ઉમિયાજીની પધરામણી કરી. તેમાં સાકરીયા (તે મેંદપરા) કુટુંબે ઉત્સાહભેર તન મન અને ધનથી ભાગ લઇ પોતાની માતા પ્રત્યેની ભક્તિ ભાવના વ્યક્ત કરી અને ઉમાનગરમાં પોતાનો માઢ બનાવી તેમાં વસવાટ કરી સ્થિર થયા. ખેતી આબાદ કરી ઉન્નતિના શિખરો સર કરી ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કર્યા અને લોકપયોગી કામ કર્યા. રગજીદાસ પટેલે ભાખોરના મારગે વાટે જતાં ડાબા હાથ પર તળાવ ગળાવ્યું અને લોકોને પાણીની સુવિધા પુરી પાડી. ગામ જાપે કૂવો કરાવ્યો તથા ઢોર પાવા અવાડો બંધાવ્યો. તેમાં સાકર નાખી ઢોર પાયા. સાકરીયા કણબીની કીર્તિ વધારી લોકચાહના મેળવીને કુળ ઉજ્વળ કર્યું. અજાદાસે વાવ અવાડામાં ઘી ભરી ગાયો તથા બળદ પાયા તથા કરડવી નાત તથા પાખોડના ગામો સહીત ઉમાનગરને દિવસ સાત જમાડીને ઘી મણ 300 વાપયુઁ અને નાતમાં નામ કાઢ્યું. આવા અનેક ધર્મ કાર્યો તથા લોકપયોગી કામો કરી ઉત્તરોત્તર પ્રગતિ કરી ઠરીઠામ થયા.

વિક્રમ સવંત 611 માં સવગણદાસ પટેલે કાશીની જાત્રા કરી ઘેર આવીને લીલ પરણાવ્યા ત્યારે ઉમાનગર તથા પાટણવાડાના પટેલની નાત જમાડી તથા ઉમાનગર ધુમાડાબંધ જમાડી ઘી 125 મણ વાપર્યું. પોતાના કુળ બારોટની પોથી ચોપડે જાત્રા લખાવીને બારોટ પ્રતાપમલને સોનાના કડા, સેલુ, સરપાવ કરી પાઘડી બંધાવી કુળ બારોટનું સન્માન કરી પિતૃઓની તથા વડવાઓની કીર્તિ વધારી.

વિક્રમ સવંત 911 માં સેવાભાવી, પરોપકારી તથા ધર્મપરાયણ સાકરીયા પટેલ રામદાસે કાશીનો સંઘ કાઢ્યો અને કુટુંબને કાશીની જાત્રા કરાવી. ઘરે આવીને ગામ ઉમાનગર જમાડયું, બ્રહ્મભોજન કરાવ્યું તથા પરગણાની નાત જમાડી. ત્યારે ઘી 111 મણ વાપર્યું. પોતાના કુળગોર રામનાથને નવ વીઘા ખેતર કૃષ્ણાર્પણ કર્યું. જે વણછાલા ગામને મારગે જતાં જમણા હાથ પર હતું. આમ ઉમાનગર માં રહી અનેક વિધ કાર્યો કર્યા તથા સમૃદ્ધિના શિખરો પર પહોંચી કુળની કીર્તિ વધારી કુળ આબાદ કર્યું.

ઉમાપુરમાં (ઊંઝામાં) ત્યાંની ભૂમિની લેણદેણ પુરી થતા વિધાતાની આજ્ઞા ગણી ભાઈઓ સાથે અણબનાવ થતાં શાંતિપ્રિય અને કોઠાસૂઝ વાળા સાકરીયા પટેલો બાપદાદાની કર્મ ભૂમિ ઉમાનગરનો ત્યાગ કરી વિક્રમ સવંત 1335 માં મેમદપર વસ્યા. પોતાની પાટી સમૂળગી લઇને કુંભાર, સુથાર, ભરવાડ, લુહાર, માધો વાણંદ સર્વેને લઇ ગામ મેમદપર વસી ઘરથાળ કરાવ્યા. આથમણી ડેલીઓ કરાવી. મેમદપર માં ફાવટ આવતા અને ખેતી સારી હોવાથી વીસ વરસ ના પટ્ટે ગામ મેમદપરા રાખ્યું. મેમદપરા વસ્યા ત્યારથી સાકરીયા અજાવતમાં મેમદપરા કહેવાયા. કાળક્રમે દેશકાળ અને અપભ્રંશ થતા મેંદપરાથી ઓળખાયા.

પટેલ વેણાભાઈ ડોસલભાઈ એ મેમદપર વીસ વરસના પટ્ટે રાખી ગામ આબાદ કર્યું. ખેતી સુધારી ત્યારે ગામ સમૃદ્ધ થતાં બાદશાહ ગામ પાછું લેવા જોરજુલમ કરવા લાગ્યા અને પટેલ વેણાભાઈ ડોસલભાઈને પકડી અમદાવાદની જેલ માં કેદ કર્યા ત્યારે મેસાણાથી કુળગોર કાશીરામે સાત સાત દિવસની લાંઘણ કરી વેણાભાઈ ડોસલભાઈને છોડાવ્યા.

ગામ મેમદપર માં હીરાદાસ પટેલને દીકરો નહોતો ત્યારે કુળદેવી આદ્યશક્તિની સેવા આરાધના કરવા લાગ્યા. ઘણા સમય તન મન ધનથી કુળદેવી માતાજીની આરાધના કરી ત્યારે માતા શક્તિ પ્રસન્ન થયા. સપનામાં દર્શન આપ્યા અને દીકરાનું વચન આપ્યું અને સર્વગુણસંપન્ન દીકરો માતાજીએ આપ્યો. હીરાદાસને માતાજીએ વચન આપ્યું કે મારી સવા પાલીની લાપસી જે મેંદપરા પરિવાર કરશે તે સુખી થશે.

મેમદપરા માંથી પટેલોને હાંકી કાઢવા માટે બાદશાહના માણસો રંજાડવા લાગ્યા પણ હિંમતવાળા અને સાહસિક પટેલો મચક આપતા નથી ત્યારે બાદશાહના હજુરીયા રજપૂતોએ કામદાર સાથે મળીને બાદશાહની કાન ભંભેરણી કરી ચાડી ખાધી કે પટેલો મલકનો માલ ખાય છે. ત્યારે કામદારે તપાસ લેવા માંડી. એવા વખતે બહાદુર અને સત્યવચની સાહસિક પટેલો ભેગા મળીને અસત્યનો સામનો કર્યો ત્યારે રજપૂતો સાથે ધીંગાણું થયું. એમાં બહાદુર અને અડાભીડ સાણા કોઠાસૂઝ વાળા ધમાબાપા (ધરમશીબાપા) કામ આવ્યા ત્યારે પોતાના આગેવાન બાપાના જવાથી મેંદપરા પરિવાર મેમદપર થી ઝાલાઓના રાજમાં ગામ મેથાણ વસ્યા પણ મેથાણ માં ફાવટ નહિ આવતા સર્વે મેંદપરા પરિવાર કુલગોરના કહેવાથી ધ્રુમઠ ઋષિની તપોભૂમિ એવા ધરમઠ ગામે ઠરીઠામ થયા. એ સમયે ધમાબાપા જે ધીંગાણાંમાં વીરગતિ પામ્યા હતા તેમણે કુટુંબને પરચો આપી પ્રગટ થયા અને વાડીએ બેસવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે સમગ્ર પરિવારે ભેગા મળીને ધમાબાપા નો પાળીયો ઘડાવી વિધિપૂર્વક વાડીએ સ્થાપના કરી. હાલ પણ અડાભીડ બહાદુર ધમાબાપાની વિરગતિની સાક્ષી પૂરતો પાળીયો ધરમઠ ગામની વાડીએ ઉભો છે. અત્યારે આ વાડી મોરની ખેતર તરીકે ઓળખાય છે. તેમાં બાપાનો પાળીયો છે.

આમ અનેક ગામોમાં પરિભ્રમણ કરી મેંદપરા પરિવાર દુધઈ વસ્યા. ગામ દુધઇમાં તળાવની પાળે કુળદેવી માતા શક્તિની ડેરી બનાવી સ્થાપના કરી દુધઈ વસવાટ કર્યો. દુધઈ માં વાવ કરાવી. એક વાવ ગામ થી દખણાદી બાજુ તળાવની વચ્ચે છે.બીજી વાવ બેલાના મારગથી જતાં ડાબે હાથે છે.

ગામ દુધઈ માં માળીયા મિયાણાનું ધાડું આવ્યું અને ગામ લૂંટવા લાગ્યા તથા રંજાડ કરવા લાગ્યા. ત્યારે શૂરવીર, સાહસિક અને બહાદુર એવા કલ્યાણબાપાને કુળના સંસ્કાર જાગી ઉઠયા અને હિંમતપૂર્વક મિયાણાનો સામનો કર્યો. ત્યારે ગામનું રક્ષણ કરતા ધર્મને કારણે પોતાના પ્રાણ અર્પણ કર્યા. ગામમાં લૂંટફાટ કરતાં મિયાણા વચ્ચે ધીંગાણું થયું ત્યારે કલ્યાણબાપાનું માથું ગામના ચોકમાં પડયું ત્યારે ધડ મિયાણા પાછળ પડયું ને મિયાણાને ગામની બહાર કાઢ્યા. ત્યારબાદ ગામને ઝાંપે ધડ શાંત થયું. તે વીરવર કલ્યાણબાપાનો પાળીયો દુધઈ ગામની ઉગમણા ઝાંપાને નાકે આવેલો છે તથા ગામના ચોકમાં માથું પડયું હતું ત્યાં ખાંભી છે.

બીજા સુરાપુરા જેરાજબાપાના દીકરા ત્રિકમબાપા દ્વારકાથી જાત્રાએ જતાં કામ આવ્યા છે. તેની ખાંભી ગામ ફલ્લાના પાધર નદીને કાંઠે આથમણા 15 કદમને આશરે છે.

કુળદેવી શક્તિ માતાજીના નિવેદ નોરતાની આઠમના થાય છે. માતાજીની જમણી લાલ તથા સુરાપુરા બાપાની સફેદ જમણી લેવી. માતાજીની સવા પાલી લાપસી કરવી તથા સુરાપુરા બાપાના સવા પાલીના ચોખા કરવા. દીકરો પરણે ત્યારે જમણી લાલ તથા માતાજીના નિવેદ સસરા-વેવાઈ પાસેથી લેવાય છે.

વિસ્તૃત છણાવટ :

ગામ મેમદપુર વસાવ્યું ડોસલભાઈ વીરદાસ એ વિક્રમ સવંત 1335 માં અને તેમના પુત્ર વેણાભાઈ ડોસલભાઈ એ સમય જતા ધરમઠમાં વસવાટ કરેલો. એમના પરિવારમાંથી જ વિક્રમ સવંત 1792 માં હરપાલભાઈ રૂગનાથભાઈ એ દુધઇમાં વસવાટ કર્યો તથા કુળદેવી આદ્યશક્તિ માતાજીની ડેરી બનાવી તેમજ તળાવમાં વાવ બનાવી.

હરપાલભાઈ રૂગનાથભાઈ ના ત્રણ પુત્રો (1) કાનજીભાઈ (2) પેથાભાઈ (3) દેવજીભાઈ

કાનજીભાઈ હરપાલભાઈ જે વિક્રમ સવંત 1812 માં બંગાવડી વસ્યા, કાનજીભાઈ હરપાલભાઈ ના બે પુત્રો (1) માવજીભાઈ કાનજીભાઈ (2) ડાયાભાઈ કાનજીભાઈ

માવજીભાઈ કાનજીભાઈનો પરિવાર અલગ અલગ ગામોમાં જેમકે બંગાવડી, ખંભાળા, સરપદડ, કાંતિપુર અને જાંબુડા માં વસવાટ કરે છે.

ડાયાભાઈ કાનજીભાઈ એ વિક્રમ સવંત 1821 માં બાંટવા પ્રગરણે જીલાણા વસવાટ કરેલો. તેમના બે પુત્રો (1) સુરજીભાઈ ડાયાભાઈ (2) ભીમજીભાઈ ડાયાભાઈ

સુરજીભાઈ ડાયાભાઈ નો પરિવાર હાલમાં પણ જીલાણા વસવાટ કરે છે. ભીમજીભાઈ ડાયાભાઈનો પરિવાર વિક્રમ સવંત 1841 માં કોઠડીમાં વસવાટ કર્યો હતો.

ડાયાભાઈ કાનજીભાઈનો પરિવાર હાલમાં જૂનાગઢ, જીલાણા, ચુડવા, ઝાંપોદડ, કેશોદ, ક્ણઝા, કોઠડી, લુવારસર, માણાવદર, મોટી ઘંસારી, મેસવાણ, શેરડી, સણોસરા, શિલોદર, સરદારગઢ, શાપુર (સોરઠ), વેળવા, ઝીંઝરી વિગેરે ગામોમાં વસવાટ કરે છે.

હરપાલભાઈ રૂગનાથભાઈના બીજા પુત્ર પેથાભાઈએ દુધઇમાં જ વસવાટ ચાલુ રાખ્યો હતો અને એનો પરિવાર હાલ માં દુધઈ, કુંતાસી, રાજપર, ટીંબડી, પીઠડ, કલ્યાણપર, ખીજડીયા અને લખધીરગઢ માં વસવાટ કરે છે.

હરપાલભાઈ રૂગનાથભાઈના ત્રીજા પુત્ર દેવજીભાઈ નસીતપર તથા મોડપરમા વસ્યા ત્યાર પછીનો પરિવાર બારોટના ચોપડે મળી આવતો નથી. તેથી દેવજીભાઈ અપુત્ર ગુજરી ગયા હોઈ શકે એવું માનવાને કારણ છે જેથી તેઓનો ઇતિહાસ મળી આવતો નથી.

બારોટના ચોપડે થી…
ચંદુભાઈ એન. બારોટ (રાજકોટ)
   ૯૯૭૯૭ ૦૩૬૦૬